આ શિક્ષણ સંસ્થા સાથે જેમનું નામ સંકળાયેલું છે તેવા શ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલનો જન્મ ઈ.સ. ૧૯૦૨માં ચરોતર પ્રદેશના આણંદ જિલ્લાના સુણાવ ગામમાં થયો હતો. તેઓ રંગૂન સ્થિત ચ્હાના મોટા વેપારી હતા. વ્યાપાર અને સાહસવૃતિ જન્મથી જ તેમના સ્વભાવમાં હતાં.
તેઓએ ઈ.સ. ૧૯૨૦માં તેમણે મેસર્સ પુરુષોત્તમ અંબાલાલ એન્ડ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ઈ.સ. ૧૯૪૪માં તેમણે જી. પટેલ એન્ડ કંપની પ્રા. લી. નામની બીજી પેઢીની સ્થાપના કરી જેના તેઓ મેનેજીંગ ડિરેક્ટર હતાં. બંગાળ સેફ ડિપોઝીટ વોલ્ટના ચેરમેન અને ભવાનીપોર ગુજરાતી હાઈસ્કૂલ તેમજ એંગ્લો ગુજરાતી હાઈસ્કૂલ કલકત્તાના ટ્રસ્ટી હતા.
ધંધાકીય, સામાજિક, ધાર્મિક તેમજ કેળવણીક્ષેત્રે શ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલની નામના હતી. તેઓ ભવાનીપોર ગુજરાતી સ્ટ્રીટ મંડળ, આર્યુવેદિક કોલેજ નડિયાદ, ટી બી હોસ્પિટલ પેટલાદ તેમજ સુણાવ ગામમાં ટેકનિકલ કોલેજ તેમજ વિવિધ ચેરીટેબલ સંસ્થાઓમાં ઉદારતાથી દાન કરેલ છે. દાનવીર એવા શ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલ અને તેમના સંતાનોના ઋણી છીએ કે જેમણે આપણી સંસ્થાને વખતોવખત દાન આપી હજારો વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક ઊભી કરી આપી છે.